| મહાશિવરાત્રી પર્વ અને ગિરનારનાં ભવનાથનાં મેળાની પરંપરા વિશ્વની સૌથી જૂની અને શ્રેષ્ઠ સભ્યતા ધરાવતું ભારત પોતાની ઉત્સવપ્રિયતા, આધ્યાત્મ અને શ્રદ્ધા અને તેને વ્યકત કરવા થતાં મેળાઓની સંસ્કૃતિને કારણે વિશ્વમાં અનોખુ અને વિશેષ સ્થાન ધરાવે છે. એમાં પણ ગુજરાતની પોતાની આગવી ઓળખ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં માધવપુરમા ભરાતો રામનવમીનો મેળો, અષાઢી બીજને દિવસે અમદાવાદમા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા, તરણેતરનો મેળો જેવા અનેક મેળાઓ ભરાય છે જેમાં લાખો લોકો આનંદપૂર્વક પોતાની શ્રદ્ધા અને આસ્થાની અભિવ્યક્તિ કરે છે. આ મેળાઓમાં ગરવા ગિરનારની તળેટીમાં ભરાતાં ભવનાથનાં મેળાનું માહાત્મ્ય ખૂબ છે, જેમાં અનેક સાધુસંતો ઉપસ્થિત રહે છે જે પવિત્ર કુંભમેળા બાદ દ્વિતીય સ્થાન ધરાવે છે. મેળાનું સ્થાન પ્રતિ વર્ષ ગરવા ગઢ ગિરનારની તળેટીમાં જૂનાગઢથી લગભગ આઠ કિલોમીટરના અંતરે આવેલા ભવનાથ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનાના ક્રુષ્ણ પક્ષ ની એકાદશીથી શરૂ થતો પાંચ દિવસનો મેળો શરૂ થઈ ગયો છે. ભવનાથના મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રધ્ધાળુઓ વિશ્વભરમાંથી આવીને મહાદેવની ભક્તિમાં તરબોળ તથા હોય છે. ભવનાથનાં આ મહાશિવરાત્રીના મેળા અનેક વર્ષોથી ઉજવાય છે, આ મેળાની કેટલીક એવી ખાસિયતો છે જે અન્ય મેળામાં જોવા મળતી નથી. આ મેળાનું સૌથી મોટું આકર્ષણ હજારોની સંખ્યામાં વર્ષમાં એક જ વખત જાહેરમાં દેખાતા અઘોરી બાબાઓ ની ઉપસ્થિતિ છે. આ ઉપરાંત કેટલીક બાબતો એવી છે જે આ મેળાને વિશિષ્ટ અને અદ્વિતીય બનાવે છે. મંદિર પ્રાગટ્યની દિવ્ય કથા ભારતભૂમિ મંદિરોથી વિભૂષિત છે અને દરેક મંદિરની પ્રાગટ્યની વિશેષ અને આસ્થાભરી કથા આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખિત અને પ્રચલિત છે. ભવનાથના મંદિરના પ્રાગટ્યની પણ આવી જ મનોરમ્ય, શ્રધ્ધાથી ભરપૂર કથા પ્રચલિત છે. કથા અનુસાર બ્રહ્માજીનો દિવસ પૂરો થતાં પ્રલય આવ્યો અને સમગ્ર સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રલય સમયે જળમગ્ન સૃષ્ટિમાં શિવ જળસમાધિસ્થ હતા. નવપ્રભાત થતાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સત્વ, રજસ અને તમસ સ્વરૂપે ઉપસ્થિત થયા . ઉપસ્થિત થતાં જ બ્રહ્માજી, વિષ્ણુજી અને રુદ્રજી વચ્ચે કોણ મોટું એ બાબતે વિવાદ થયો. ત્રિદેવમાં ઉપસ્થિત થયેલા વિવાદનું નિરાકરણ કરવા માટે શિવજી સ્વયં આવ્યા અને બ્રહ્માજીને ઉત્પત્તિ, વિષ્ણુને પાલન પોષણ તથા રુદ્રને સંહારનું કર્યા સોંપીને વિવાદનું નિરાકરણ કર્યું. ગિરનારમાં શિવજીનો વાસ અને આસન ગિરનારમાં ભગવાન શિવજીએ અવિચળ આસન જમાવેલું છે. શિવજીના ગિરનારમાં નિવાસ, વાસ અને આસન પાછળ પણ રમ્ય લોકોક્તિ અને પૌરાણિક કથા રહેલી છે. તે મુજબ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ વિવાદનું નિરાકરણ શિવજી એ આપ્યું તે બાદ બ્રહ્માજી ભગવાન શિવને સંસારમાં રહીને જ સૃષ્ટિના દુખ, વેદના, આપત્તિઓનું સમાપન કરવાની વિનંતી કરી. બ્રહ્માજીની વિનંતીને માન આપીને સંસારમાં ક્યાં આસન જમાવવું તે માટે શિવજીએ સૃષ્ટિમાં નજર દોડાવી ત્યારે ઉજર્યત કે રૈવતક પર્વત ઉપર સ્થિર કરી. ચોતરફ ગાઢ વનરાજી, વિવિધ જીવસૃષ્ટિથી જીવંત એવા ગિરનાર ઉપર શિવજીએ આસન જમાવ્યું. આ તરફ કૈલાસ પર્વત ઉપર શિવજીને અનુપસ્થિતિથી માતા પાર્વતીજીએ શોધખોળ ચલાવી. જ્યારે દેવોએ શિવજીને પૃથ્વીલોકમાં મોકલ્યા છે તે જાણ થતાં પાર્વતી માતા ક્રોધે ભરાયા અને દેવોને સાથે રાખીને શિવજીની શોધખોળ આરંભી. દેવો સાથે શોધ કરતાં શિવજીએ ગિરનારમાં આસન જમાવેલું હતું ત્યાં પહોચ્યા. માતા પાર્વતી દેવો સાથે વૈશાખી પુર્ણિમાને દિવસે જ્યારે ગિરનાર પહોચ્યા ત્યારે શિવજી ભવનાથ સ્વરૂપ ધરીને પ્રગટ થયા. ગિરનારની ભવ્યતા, દિવ્યતા, સૃષ્ટિ લાલિત્ય જોતાં માતા પાર્વતીએ પણ ગિરનારમાં જ અંબિકા સ્વરૂપ ધારણ કરીને નિવાસ કર્યો. એવી લોકોક્ર્તિ છે કે જ્યાં માતા પાર્વતીજીએ અંબિકા સ્વરૂપ ધરીને વાસ કર્યો તે જગ્યા એટલે ગિરનારનું અંબાજી શિખર. આ ઉપરાંત વિષ્ણુજીએ દામોદર સ્વરૂપે દામોદર કુંડમાં નિવાસ કર્યો તથા અન્ય દેવતાઓ, યક્ષો, ગંધર્વો વગેરેએ ગિરનારના જુદાજુદા સ્થાનોએ નિવાસ કર્યો આવી પણ લોકોક્તિ છે. મૃગીકુંડ નું માહાત્મ્ય મૃગીકુંડ ભવનાથના મેળાનું ખૂબ અગત્યનું અને પવિત્ર સ્થાન છે મહાશિવરાત્રીના દિવસે સાધુઑ ન્હાવા માટે છલાંગ લગાવે છે. મૃગીકુંડ પાછળ પણ એક સુંદર ગાથા છે. તે વખતે કાન્યકુબ્જ રાજયમાં ભોજરજનું રાજ્ય હતું. રાજા ભોજનો એક અનુચર ફરતા ફરતા ગિરનાર તરફ પહોચ્યો અને તેને ત્યાં રૈવતક પર્વતના ગાઢ જંગલોમાં મૃગલાઓના ટોળામાં એક સ્ત્રી પણ વિચરણ કરી રહી છે જેનું મોઢું હરણનું છે જ્યારે શરીર માનવનું છે. આ સાંભળીને રાજા ભોજ અચંબિત થયા અને તે સ્ત્રીમૃગને મહેલમાં લઈ આવ્યા તથા આ નવતર પ્રાણીનો ભેદ ઉકેલવા રાજ્યના પંડિતોને વિનંતી કરી પરંતુ એકપણ પંડિત રહસ્ય ઉકેલી શક્યા નહીં ના તો ઉકેલ દર્શાવી શક્યા, છેવટે રાજા ભોજ કુરુક્ષેત્રમાં તપ કરી રહેલા ઊર્ધ્વરેતા ઋષિ પાસે જઈને આ નવીન પ્રકારના પ્રાણીની વાત રજૂ કરી. સિધ્ધપુરુષ ઊર્ધ્વરેતા ઋષિએ મૃગનું મુખ ધરાવતી સ્ત્રીને માનવવાચા પ્રદાન કરી. માનવવાચા મળતા મૃગમુખીએ પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજસિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. ભોજસિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ લોકોક્તિ છે. આ એજ મૃગીકુંડ છે જેમાં મહાશિવરાત્રિએ સાધુઓ નાહવા છલાંગ લગાવે છે. સાધુ-સંતો અને મહંતો નાં રહેવાની વ્યવસ્થા જુનાગઢ ગિરનારની તળેટીમાં ઉજવાતા ભવનાથ મેળાની ખ્યાતિ દેશ-વિદેશમાં પહોંચેલી છે. મેળાની શરૂઆત પહેલાં જ દેશ-વિદેશમાંથી સાધુ-સંતો, મહંતોનુ આગમનની શરુઆત થઈ જાય છે. સાધુ-સંતો અને મહંતોના નિવાસ માટે અખાડાઓની વ્યવસ્થા જુનાગઢનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. સાધુ-સંતો,મહંતોના રહેવા માટે તથા તેમનાં પવિત્ર ધૂણા માટે ઉતારો ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરની જમણી બાજુ અલગ-અલગ સાઈઝની રાવટીઓ સામસામે બે હરોળમાં ઉભી કરવામાં આવે છે અને બીજી તરફ મેળામાં સેવાકીય પ્રવૃતિઓ કરતી સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓની રાવટીઓની વ્યવસ્થા હોય જેથી શ્રદ્ધાળુ ભક્તો ને સાધુ-સંતો, મહંતો, મહાત્મા ઓના દર્શન સરળતાથી મળી રહે. મેળામાં પધારેલા સાધુ-સંતો, મહંતો, મહાત્માઓની સાથે એમનાં સેવકો પણ ઉપસ્થિત રહેતાં હોય છે જે તેમનાં માટે આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા કરતાં હોય છે. મહા વદ નોમના દિવસે સવારે ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ થાય ત્યારે બધાં જ સાધુ-સંતો, મહંતો, મહાત્માઓ ત્યાં એકઠા થાય છે તથા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ધ્વજારોહણ બાદ સૌ સાધુ-સંતો, મહંતો, મહાત્માઓ પ્રશાસન દ્વારા તેમને ફાળવવામાં આવેલી જગ્યાએ નિવાસ કરે છે તથા પવિત્ર ધૂણી ધખાવે છે. નાગાસાધુઓનું સરઘસ અને મૃગીકુંમાં પવિત્ર સ્નાન શ્રધ્ધાળુંઓ માટે ભવનાથનાં મેળાનું સૌથી મોટું આકર્ષણ અને માહાત્મ્ય મહાશિવરાત્રિના દિવસે રાત્રે 9 વાગ્યે મૃગીકુંડમાં સ્નાનાર્થે નીકળતું નાગાસાધુઓનું શાહી સરઘસ છે. આ દિવસે ભવનાથના મેળામાં આવેલા સૌ શ્રધ્ધાળુઓ આ સરઘસ જે જે જગ્યાએ થી પસાર થવાનું હોય તે રસ્તામાં સવારથી જ એવી જગ્યા શોધીને બેસી જાય છે જ્યાંથી સરઘસમાં નીકળતા નાગાસાધુઓના દર્શન કરી શકાય. સવારથી જ બેસી ગયેલા શ્રધ્ધાળુઓ ભૂખ, તરસ, તડકાની પણ ચિંતા કર્યા વગર પોતાની જગ્યા પર નાગાસાધુઓના સરઘસની આતુરતા અને શ્રધ્ધાપૂર્વક રાહ જોતાં બેસે છે. મહાશિવરાત્રીની રાત્રે નીકળતા આ સરઘસ માટે એવી માન્યતા છે કે આ સરઘસમાં સાત ચિરંજીવીઓમાંના એક દ્રોણપુત્ર અશ્વત્થામા, પાંચેય પાંડવો, રાજા ભગીરથ અને રાજા ગોપીચંદ પણ સાધુઓના વેશમાં ઉપસ્થિત રહે છે. નાગાસાધુઓ સરઘસાકારે નીકળીને ભ્રમણ કરતાં કરતાં મૃગીકુંડ તરફ પ્રસ્થાન કરે છે. જેવી રીતે કુંભના મેળામાં પવિત્ર ગંગા સ્નાનનું મહત્વ છે એવી જ રીતે ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ છે. નિશ્ચિત રસ્તાઓ ઉપર ભ્રમણ કરતાં કરતાં નાગાસાધુઓ, અન્ય સાધુઓ, સંતો, મહંતો મૃગીકુંડમાં વારાફરથી પવિત્ર સ્નાન માટે છલાંગ લગાવે છે. એવું કહેવાય છે કે મૃગીકુંડમાં સ્નાનાર્થે છલાંગ લગાવેલા ઘણા નાગાસાધુઓ મૃગીકુંડમાંથી બહાર આવતાજ નથી અને ત્યાંથી જ અદ્રશ્ય થઈ જાય છે. રાવટીઓ અને ઉતારાઓ ભવનાથનાં મેળાની આગવી વિશેષતા અહી વર્ષોથી ગોઠવાતી ભોજન, રહેવાની વ્યવસ્થા છે. ગુજરાત અને ખાસકરીને સૌરાષ્ટ્ર પોતાના આતિથ્ય માટે જગવિખ્યાત છે ત્યારે અહી ભવનાથના મેળામાં આ આતિથ્યનું અલૌકિક દ્રશ્ય જોવા મળે છે. મેળો શરૂ થવાના કેટલાક દિવસો પહેલાથી જ સેવાભાવી સંસ્થાઓ મેળામાં આવનારા શ્રધ્ધાળુઓ ની સેવા માટે પોતાના નક્કી કરેલા સ્થાનો ઉપર પહોચી જાય છે. જ્યાં સેવાભાવી સંસ્થાઓ ઉપરાંત જેતે જાતિ, જ્ઞાતિ, ગામ વગેરેના ઉતારાઓ ઊભા થાય છે. આ જગ્યાઓને ઉતારાઓ કે રાવટી તરીકે ઓળખાય છે. આ રાવટીઓ તથા ઉતરાઓમાં આવનારા શ્રધ્ધાળુઓ માટે રહેવાની તથા જમવાની ઉતારાની વ્યવસ્થા કરવામાં આવે છે જેનો લાભ હજારો લોકો લેતા હોય છે. આ મેળામાં કેટલાક ઉતારાઓ વર્ષોથી પોતાની સેવા પ્રવૃતિઓ માટે વિખ્યાત છે જેમકે પરબનો ઉતારો, માખાવડનો ચિનુબાપુનો ઉતારો, જેરામબાપાનો ગિરનારી ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, તોરણિયાનો ઉતારો, ખોડિયાર રાસ મંડળીની રાવટી, ભૂરાભગતની રાવટી, ભારતીબાપુ આશ્રમ. આ રાવટીઓ તથા ઉતરાઓમાં સવારનો ચ્હા-નાસ્તો, ત્રણ સમયનું ભોજન, રાત્રિ રોકાણની સુંદર વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હરિભજન અને સંતવાણી મહાશિવરાત્રિ ના પવિત્ર ઉત્સવ નિમિત્તે યોજાતા ભવનાથના પ્રખ્યાત ધાર્મિક મેળામાં ભજન ના હોય એવું માનવું ભૂલ ભરેલું છે. ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, પરબનો ઉતારો, ભારતી આશ્રમ જેવા સ્થળોએ ભોજનની સાથે રાત્રે ભજન એટલેકે સૌરાષ્ટ્રનાં નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી રાખવામાં આવે છે. જે જે રાવટી તથા ઉતારાનાં પડાવ હોય છે તેને જરૂરી તમામ વસ્તુઓ પોતાની રીતે સાથે લાવે છે. તેમજ જે જગ્યાઓ તે વાપરતા હોઈએ તેનુ ભાડુ પણ તેજ ચુકવે છે. આમ ભવનાથનાં આ મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને લોકેને ભોજન અને અલખને આરાધવા માટેનું જે માધ્યમ ભજન છે તેની વ્યવસ્થા આ સંસ્થાઓ જ કરે છે. પ્રસાશનિક વ્યવસ્થા મેળામાં ખાણીપીણી નાં સ્ટોલ, પુસ્તક વેચાણ કેન્દ્રો, બાળકો નાં મનોરંજન માટે ચકડોળ વગેરેનુ આયોજન જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. મેળામાં બહાર ગામથી પધારેલા સાધુ-સંતો, મહંતોને શહેર પ્રસાશન તથા પોલીસ દ્વારા પાસ આપવામાં આવે છે જેથી તેમનાં વાહનો રોકવામાં આવતા નથી. અન્ય વાહનોને વધારે ગિરદી નાં થાય, ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે હેતુસર એક ચોક્કસ હદથી આગળ જવા દેવામાં આવતાં નથી. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સવલત માટે સરકાર દ્વારા વધારાની ટ્રેનો તથા બસોની વ્યવસ્થા કરવામાં આવે છે. મેળાનું સમાપન મહા મહિનાના કૃષ્ણ પક્ષ અગિયારસથી શરૂ થયેલો ભવનાથનો મેળો મહાશિવરાત્રીના દિવસે 9 વાગ્યે મૃગીકુંડમાં પવિત્ર સ્નાન સાથે પૂર્ણ થાય છે. શિવરાત્રિનાં સવાર સુધીમાં આ મેળો પુરો થઈ જાય છે. બીજે દિવસે સવારે નાગાબાવાઓ, સાધુ-સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોત પોતાના સ્થાનોએ જવા રવાના થઈ જાય છે. આમ જુનાગઢ શહેરમાં આવેલ ગરવા ગિરનારમાં યોજાતા ભવનાથનાં આ ભાતિગળ અને ભક્તિના પ્રતિક સમા મેળામાં સૌલોકો છ દિવસનાં અંતે પુણ્યનું ભાથુ બાંધીને પોતપોતાના કામમાં લાગી જાય છે. તેમજ સાધુ-સંતો અને મહંતો પણ ભગવાનનાં ધ્યાનમાં લીન થાય છે આ મેળાનો લાભ લેવો એ જીવનનો એક અનોખો લ્હાવો છે. નાગા સાધુઓ, અઘોરીઓ, નાથ સંપ્રદાયના સાધુઓ વર્ષમાં એક જ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભવનાથ તળેટીમાં જાહેરમાં પધારતા હોય છે એમનાં દર્શન અને આશીર્વાદ આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. |